શ્રદ્ધેય આધપુરૂષ માનાબાપાનું જીવન વૃત્તાંત
આપણી મૂળ શાખ સાકરિયા, ગોત્ર પિતા શ્રૃંગી ઋષિ, કુળદેવી ઉમિયા માતાજી.
આપણા વડીલો આદમ ગામ પંજાબમાં કુર્મિ જાતિ તરીકે ઓળખાતા અને ખેતીવાડી કરતા.
ઘણા કાળ પહેલાં કુળદેવી ઉમિયા માતાજીએ આપેલ કણ વડીલોએ જમીન ખેડી વાવ્યું. તેમાંથી બીજ પ્રગટ કર્યું, બીજને વાવી અનાજ ઉત્પન્ન કર્યું અને જગતનું પોષણ કર્યું. જેથી આપણે કણબી તરીકે ઓળખાયા.
ઈ.સ. પૂર્વે ૨૫૦૦ થી ૩૦૦૦ વર્ષો પહેલાં વિધર્મીઓએ પંજાબને લૂંટ્યું અને કાળક્રમે પંજાબ અલગ પ્રાંતોમાં વહેંચાયું. પ્રજા અઢાર વર્ણાશ્રમોમાં વહેંચાઈ, જેથી ઝઘડા-ડખા થવા લાગ્યા. આથી શાણી અને ઈમાનદાર કુર્મિ પ્રજાને ન્યાય કરવાની સત્તા અને પટેલાઈની પાઘડી પહેરાવવામાં આવી, જેથી પટેલ અથવા પાટીદાર તરીકે ઓળખાયા.
સમય વિતતા પંજાબ છીનભિન્ન થયો અને પાટીદારો પંજાબ છોડીને ભારતભરના અન્ય પ્રાંતોમાં વસ્યા. આપણા સાકરિયા શાખના વડીલો વિક્રમ સંવત ૨૦૨માં ઊંઝા આવીને વસ્યા. સન ૧૧૦૭માં મહીજી પટેલે મહીયલ ગામનું તોરણ બાંધ્યું. તેમના વંશજો મૈયાત તરીકે ઓળખાયા.
ઘણી પેઢીઓ બાદ આપણા વડવાઓ કર્ણાવતી પાસે ખેતી કરતા હતા. ત્યારે કચ્છના મહારાજા કર્ણાવતી પધાર્યા. તેમણે જોયું કે આ મહેનતુ પ્રજા કચ્છ આવશે તો સુકી ધરા ખેતીથી સમૃદ્ધ થશે. આમંત્રણ સ્વીકારી વાલાબાપા (વાસણ પટેલ) અને અન્ય લોકોએ સંવત ૧૬૮૦માં કચ્છના વાગડના શીકરા ગામે વસવાટ કર્યો.
વાલાબાપા અને તેમના મામા વેલાબાપા ગાયોને બચાવવા જતા બહારવટીયાઓના હાથો દગાથી ઘવાયા અને શહીદ થયા. ગાયોની રક્ષા માટે બલિદાન આપનાર તરીકે તેઓ સુરધન માનવામાં આવ્યા. વાલાબાપાના નામ પરથી શાખ “વાસાણી” તરીકે ઓળખાઈ. કચ્છમાં ખેતી અને પશુપાલન મુખ્ય વ્યવસાય રહ્યો.
આશરે ૨૦૦ વર્ષ પૂર્વે દુજાપર ગામે વાલાબાપાની તેરમી પેઢીમાં પેથાભાઈને ત્યાં પુત્ર રત્ન માનાભાઈનો જન્મ થયો. પેથાબાપા અને માતાશ્રીએ ભક્તિ, ગાયોની સેવા અને ઈમાનદારીના સંસ્કારો બાળપણથી જ આપ્યા.
માનાબાપા ખેતી અને પશુપાલન કરતા. ઈમાનદારીના આધારે દુજાપર વિસ્તારમાં પાંચ વાડીઓ ધરાવતા થયા અને ગામના મુખી બન્યા. તેઓ ભજન, ભક્તિ અને સત્સંગમાં લીન રહેતા. સફેદ ઘોડી અને ખભે કામળી લઈને સત્સંગે જતા.
બાપાએ પોતાની મોટી વાડીના ખળાના ઓટલે કઠોર સાધના કરી સંતપણું મેળવ્યું. કહેવાય છે કે એક વખત ગુરૂજીઓએ તેમની ભક્તિ પરિક્ષા કરવા કહ્યું અને માનાબાપાએ આંખ બંધ કરી ભગવાનનું નામ લેવાનું કહ્યે પછી તેમને માંડવી શહેરનો અનુભવ કરાવ્યો. ગુરૂજીઓએ તેમની શક્તિ સ્વીકારી.
એક વખત માનકુવામાં સત્સંગ પછી ગુરૂજીઓએ બાપાની કામળી અને સફેદ ઘોડી માગી, અને બાપાએ સહર્ષ અર્પણ કરી દીધી.
માનાબાપા દુજાપર ગામે દેવલોક પામ્યા. ગામની આથમણી બાજુએ તેમની સમાધિ છે. તેમની સાધનાસ્થળ પર સ્થાનક આવેલ છે.
માનાબાપાના બે પુત્રો—લધાભાઈ અને દેવશિબાપા. દેવશિબાપા અને વાલજીભાઈએ વડવાકાંયા પાસે વડવા (નવાવાસ) ગામ વસાવ્યું.
દર વર્ષે માગશર મહિનાના પ્રથમ બુધવારે માનાબાપાના સ્થાનકની ધજા બદલાય છે. મહા મહિનાના પ્રથમ બુધવારે વડવા ગામના પાટીદાર પરિવાર ઉજવણી કરે છે.
માનવામાં આવે છે કે સાચા મનથી માનાબાપાની ભક્તિ કરવાથી મનની ઈચ્છા પૂર્ણ થાય છે. તેમના સ્થાનક પર આસપાસના ગામોના ભક્તો બાધા રાખે છે અને બાપા કૃપા કરે છે.
આ રીતે જપ, તપ અને ભક્તિથી પૂર્ણ એવા આપણા પરમ શ્રદ્ધેય માનાબાપાએ પરમ સિદ્ધિઓ પ્રાપ્ત કરી અને પરિવાર માટે અમૂલ્ય વારસો છોડી ગયા.